Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Geet Goshti : જ્યારે વેપારીના દીકરાઓએ સૂરનો વેપાર કર્યો !

જાણો સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના જીવનના અજાણ્યા કિસ્સાઓ. 'ડોન' ફિલ્મનું આઈકોનિક સંગીત કેવી રીતે બન્યું, કયા આધુનિક વાદ્યોનો ઉપયોગ થયો અને 'ખઈકે પાન બનારસવાલા' પાછળનું રહસ્ય શું હતું? વાંચો બોલીવુડના સુવર્ણ યુગની સંગીતમય સફર.
geet goshti    જ્યારે વેપારીના દીકરાઓએ સૂરનો વેપાર કર્યો

Geet Goshti : જાણો સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના જીવનના અજાણ્યા કિસ્સાઓ. 'ડોન' ફિલ્મનું આઈકોનિક સંગીત કેવી રીતે બન્યું, કયા આધુનિક વાદ્યોનો ઉપયોગ થયો અને 'ખઈકે પાન બનારસવાલા' પાછળનું રહસ્ય શું હતું? વાંચો બોલીવુડના સુવર્ણ યુગની સંગીતમય સફર.

 ભારતીય ફિલ્મ સંગીતના સુવર્ણ યુગમાં જો કોઈ બે નામ 'પરિવર્તન' અને 'વૈવિધ્ય' ના પર્યાય હોય, તો તે છે કલ્યાણજી અને આણંદજી-Kalyanji Anandji. જેમની ધૂન પર આખું વિશ્વ આજે પણ 'ડોન' ના ગીતોની જેમ ઝૂમે છે, એવા આણંદજીભાઈ આજે જ્યારે તેમના મોટા ભાઈ અને લયના જોડીદાર કલ્યાણજીભાઈને યાદ કરે છે, ત્યારે તેમાં માત્ર આદર નહીં પણ એક અતૂટ આત્મીયતા દેખાય છે. ચાલો, આ દિગ્ગજ સંગીતકારોના જીવનના એવા કિસ્સાઓ જાણીએ જે કદાચ તમે ક્યાંય સાંભળ્યા નહીં હોય.

Geet Goshti : વેપારીના દીકરા અને સંગીતના જાદુગર

કચ્છી વાણિયાના સંતાન એવા આ ભાઈઓ હંમેશા રમતિયાળ અંદાજમાં કહેતા, "અમે વેપારીના દીકરા છીએ, એટલે દુકાનમાં હર પ્રકારનો માલ રાખવો પડે!" આ વાત તેમની સંગીતશૈલીમાં પણ દેખાતી. તેમણે 'સરસ્વતીચંદ્ર' જેવી ફિલ્મમાં શુદ્ધ ભારતીય લોકસંગીત આપ્યું, તો ફિરોઝ ખાનની ફિલ્મોમાં પશ્ચિમી 'ફંકી બીટ્સ' પીરસીને સૌને ચોંકાવી દીધા.

Geet Goshti : નવા પ્રયોગોના અગ્રદૂત

હિન્દી સિનેમામાં અનેક બાબતો 'પહેલીવાર' લાવવાનું શ્રેય આ જોડીને જાય છે:

  • બીનનો જાદુ: 'નાગિન' ફિલ્મમાં જે પ્રખ્યાત બીન વાગે છે, તે અસલમાં ક્લેવિઓલિન-Claviolin નામના ઈલેક્ટ્રોનિક સાધનથી વગાડનાર તેઓ પ્રથમ હતા. ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ હિન્દુ લગ્નના વરઘોડા ફિલ્મ 'નાગિન'ની ધૂન વગર હોય જ નહીં. દસકો પછી ય લોકપ્રિય બની અહેલી બિનની એ અમર ધૂન કલ્યાણજી ભાઈ ની છે.

  • રેપ અને અઝાન: 'તુમકો હમ પે પ્યાર આયા' ગીત દ્વારા તેમણે બોલીવુડને 'રેપ' જેવી શૈલીનો પરિચય કરાવ્યો. ફિલ્મોમાં અઝાન લાવવાનું સાહસ પણ તેમણે 'હિમાલય સે ઊંચા' માં કર્યું.

  • ટેલેન્ટ હન્ટ: કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક અને સુનિધિ ચૌહાણ જેવા દિગ્ગજોને ફિલ્મ જગતમાં લાવનાર અને તેમને 'નામ' આપનાર આ જોડી જ હતી

આ સંગીત બેલડીની દરેક ફિલ્મો હિટ રહી. એમનું સંગીત કાળજયી હતું. લોકોની જીભે એમના ગીતો આજે ય લોકજીભે છે. 

નવાં નવાં વાદ્યો અજમાવી અદભૂત મેલોડી એમનું પ્રદાન

'ડોન' ના આઈકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાછળ આ ખાસ વાદ્યો અને તકનીકોનો હાથ હતો

  •  સિન્થેસાઈઝર (Synthesizer) અને મૂગ (Moog) 

તે જમાનામાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિકનો ક્રેઝ પશ્ચિમમાં શરૂ થયો હતો. કલ્યાણજી-આણંદજીએ 'ડોન' ના થીમ મ્યુઝિકમાં Moog Synthesizer નો ભરપૂર ઉપયોગ કર્યો હતો. જે પેલી વિશિષ્ટ "ઝૂમ-ઝૂમ" જેવી ઈલેક્ટ્રિક ઈફેક્ટ સંભળાય છે, તે આ સાધનની દેન હતી. 

  • રોટો-ડ્રમ્સ (Roto-drums) અને પર્કશન્સ

આણંદજીભાઈના નાના ભાઈ બાબલા (જે લયના જાદુગર ગણાતા) એ આ ફિલ્મમાં પશ્ચિમી બીટ્સનો જાદુ ચલાવ્યો હતો. ડોનની ચેઝ સિક્વન્સ (પીછો કરવાના દ્રશ્યો) માં રોટો-ડ્રમ્સ અને કોંગો નો એવો ઉપયોગ થયો હતો કે પ્રેક્ષકોની હાર્ટ-બીટ વધી જતી. તે સમયે આ પ્રકારના ડ્રમ્સનો ઉપયોગ કોઈ કરતું નહીં.

  • વાહ-વાહ પેડલ (Wah-wah Pedal) સાથેની ગિટાર

ડોનના મ્યુઝિકમાં એક પ્રકારનો 'ફંકી'-Funky અને 'ક્રિસ્પી'-Crispy અવાજ આવે છે. આ અવાજ ગિટારમાં Wah-wah pedal જોડીને પેદા કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જ્યારે અમિતાભ બચ્ચન સ્ક્રીન પર એન્ટ્રી લેતા, ત્યારે આ ગિટાર પીસ બેકગ્રાઉન્ડમાં જબરો ઉઠાવ આપતો.

  •  બ્રાસ સેક્શન (ટ્રમ્પેટ અને સેક્સોફોન)

ફિલ્મના સંગીતમાં રોમાંચ અને ભવ્યતા ઉમેરવા માટે તેમણે મોટા પાયે ટ્રમ્પેટ્સ (Trumpets) અને ટ્રોમ્બોન્સ નો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને મેઈન થીમમાં જે પાવરફુલ બ્રાસ સાઉન્ડ સંભળાય છે, તે ફિલ્મને 'લાર્જર ધેન લાઈફ' બનાવે છે.

  •  ઇલેક્ટ્રિક વાયોલિન અને ચેલો

પરંપરાગત વાયોલિનને બદલે તેમણે કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રિક મોડ્યુલેશનનો ઉપયોગ કર્યો હતો, જેથી સંગીતમાં એક પ્રકારની રહસ્યમયી (Suspenseful) અસર ઉભી કરી શકાય.

એક રસપ્રદ કિસ્સો: તમને જાણીને નવાઈ લાગશે કે 'ખઈકે પાન બનારસવાલા' ગીત અસલમાં 'ડોન' માટે બન્યું જ નહોતું! આ ગીત દેવ આનંદની ફિલ્મ 'બનારસી બાબુ' માટે રિજેક્ટ થયું હતું. પણ જ્યારે 'ડોન' ના ડાયરેક્ટર ચંદ્ર બારોટને લાગ્યું કે ફિલ્મમાં સેકન્ડ હાફ ખૂબ ગંભીર છે, ત્યારે કલ્યાણજી-આણંદજીએ આ ગીત ઉમેર્યું અને તે ઇતિહાસ બની ગયું.

ડોન' (1978) ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર આજે પણ એટલા જ આધુનિક લાગે છે. કલ્યાણજી-આણંદજીએ આ ફિલ્મ માટે એવા સાધનો અને પ્રયોગો કર્યા હતા, જે તે સમયના બોલીવુડ માટે કલ્પના બહારના હતા.

લાગણી અને રમુજનું અનોખું મિશ્રણ

આણંદજીભાઈ યાદ કરે છે કે કલ્યાણજીભાઈ સ્વભાવે ખૂબ જ રમુજી હતા અને મિમિક્રીના શોખીન હતા. આણંદજીભાઈ પોતે સંવેદનશીલ છે. તેઓ કહે છે, "દુનિયાના તમામ મોટા કોમેડિયન અંદરથી ઈમોશનલ હોય છે, પછી તે મેહમૂદ હોય કે કિશોર કુમાર." આજે પણ જ્યારે આણંદજીભાઈ કોઈ એવોર્ડ લેવા જાય છે, ત્યારે તેમને તેમના મોટા ભાઈની ખોટ સાલે છે.

જ્યારે પથ્થરમાંથી સંગીત રેલાવ્યું 

સંગીત પ્રત્યેનો તેમનો લગાવ બાળપણથી જ હતો. કિંગ સર્કલની બોર્ડિંગમાં રહેતા કલ્યાણજીભાઈએ પથ્થરમાંથી પણ સંગીતનું વાદ્ય બનાવી દીધું હતું! પાછળથી 'કલ્યાણજી વીરજી એન્ડ પાર્ટી' દ્વારા તેમણે ઓર્કેસ્ટ્રાની દુનિયામાં ક્રાંતિ લાવી.

દિલસ્પર્શ કિસ્સાઓ: ગીતો પાછળની વાર્તા
  1. કોરા કાગઝ: આ ગીત સ્ત્રી પાત્ર (જયા ભાદુરી) પર ફિલ્માવાયું હતું પણ અવાજ પુરુષનો (કિશોર કુમાર) હતો. રેકોર્ડિંગ વખતે કિશોરદાએ મજાકમાં કહ્યું હતું, "જો મારે ફરીથી અંતરો ગાવા આવવું પડશે તો ડબલ પૈસા લઈશ!".

  2. આ ગીતનું રેકોર્ડિંગ માત્ર છ કલાકમાં લખાયું,કમ્પોઝ થયેલું કારણ ફિલ્મ કોરા કાગજનું શૂટિંગ ચાલતું હતું.દિગ્દર્શક વિજય આનંદને અચાનક જ એક Situationમાં મૂકવાનું સુઝ્યું.ગીતકાર એમ.જી.હશમત હતા.એમની પાસે એમની એક જૂની કવિતા તૈયાર હતી.વિજય આનંદને ગમી અને કલ્યાણજી આણંદજીએ તાત્કાલિક કમ્પોઝ પણ તૈયાર હતું.  ઉતાવળમાં આણંદજીભાઈએ જે ગીત સ્વરબ્ધ્ધ કર્યું અને અમર થઈ ગયું.  

  3. બાબુલ કા યે ઘર: આ ગીત રેકોર્ડ થતું હતું ત્યારે  સ્ટુડિયોમાં હાજર તમામ ની આંખો ભીની હતી.અલકા યાજ્ઞિકના લગ્ન થવાના હતા અને આણંદજીભાઈ પોતાની દીકરીને યાદ કરી રહ્યા હતા. તે ગીતનો જે પહેલો 'ટેક' લેવાયો, તે જ ફિલ્મમાં રાખવામાં આવ્યો કારણ કે તેવી સાચી સંવેદના ફરી ન આવી શકી હોત.

  4. કસ્મે વાદે પ્યાર વફા: આ ગીત ખૂંખાર વિલન 'પ્રાણ' પર ફિલ્માવવાનું હતું. સંગીતકારોને ડર હતો કે લોકો ભાગી જશે, પણ આ ગીતે પ્રાણની આખી ઈમેજ બદલી નાખી અને તેઓ હીરો જેવા લોકપ્રિય બની ગયા.(આ ગીતનો પણ ઇતિહાસ છે જે અલગ લેખમાં વાંચીશું)

કલ્યાણજી-આણંદજી-Kalyanji-Anandji ની જોડીએ જ્યારે જોયું કે પડછાયા લાંબા થઈ રહ્યા છે (ઉંમર વધી રહી છે), ત્યારે તેમણે પોતાના શિખર પર નિવૃત્તિ જાહેર કરી અને સામાજિક કાર્યોમાં પરોવાઈ ગયા. 'સૂર્યાસ્ત' પહેલાં તેમણે જે સંગીતની રોશની ફેલાવી છે, તે આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે.

આ તો માત્ર એક ઝલક હતી, ફિલ્મ સંગીતના આવા અનેક રસપ્રદ અને અજાણ્યા કિસ્સાઓ અમે તમારા માટે લાવતા રહીશું.

આ પણ વાંચો Katrina Kaif : માતા બન્યા બાદ અભિનેત્રી પહેલી વખત કેમેરામાં કેદ થઇ !

Tags :