POCSO Court Ahmedabad: સગીરા પર દુષ્કર્મ આચરનાર વિજય કટારાને 20 વર્ષની સજા
POCSO Court Ahmedabad: સગીર વયની બાળકીઓ પર થતા અત્યાચારો અને દુષ્કર્મના મામલાઓમાં ન્યાયતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad) ની પોક્સો (POCSO) ની વિશેષ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સગીરા પર શારીરિક સંબંધ બાંધવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ મામલે વર્ષ 2023માં અમદાવાદના ઇસનપુર (Isanpur) પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) અને આઈપીસી (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સગીરાને લલચાવી ફોસલાવી મધ્યપ્રદેશ ભગાડી ગયો હતો આરોપી
મળતી માહિતી મુજબ, આ કેસની વિગત એવી છે કે 19 વર્ષીય આરોપી વિજય કટારાએ એક 15 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી વિજય સગીરાને લલચાવી ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને મધ્યપ્રદેશ (Madhya Pradesh - MP) ખાતે લઈ ગયો હતો. મધ્યપ્રદેશમાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની પર અનેકવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે ભોગ બનનારના પરિવારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિશેષ અદાલતના જજ એ. બી. ભટ્ટે સંભળાવી ઐતિહાસિક સજા
આ ચુકાદા અંગેની વિગતો આપતા સરકારી વકીલે જણાવ્યું કે, આ કેસ અમદાવાદ (Ahmedabad) ની પોક્સો (POCSO) ની વિશેષ અદાલત સમક્ષ ચાલવા પર આવ્યો હતો. જ્યાં બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની અને તબીબી પુરાવાઓને ધ્યાને રાખીને પોક્સો અદાલતના વિશેષ જજ એ. બી. ભટ્ટ (A. B. Bhatt) એ આરોપી વિજય કટારાને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે નોંધ્યું કે સગીરાઓ પર થતા આવા ગુના સમાજ માટે ઘાતક છે, જેથી આરોપી પ્રત્યે કોઈ કૂણું વલણ દાખવી શકાય નહીં. જજ એ. બી. ભટ્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ પણ વાંચો: ગોંડલ અમિત ખૂંટ કેસમાં સૌથી મોટા સમાચાર: અનિરૂદ્ધસિંહ જાડેજાના હાઈકોર્ટે કર્યા જામીન મંજૂર

