Gandhinagar News: "મોબાઈલ મૂકો અને દર્દીની સેવા કરો", CM ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્ય કર્મીઓને ટકોર
Gujarat Namo Swachhata Abhiyan: ગાંધીનગર (Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'નમો સ્વચ્છતા અભિયાન'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ અભિયાન હેઠળ રાજ્યના 12, 000 થી વધુ આરોગ્ય કેન્દ્રો પર સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીએ પોતે સફાઈ કરી સૌને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહત્વની ટકોર પણ કરી હતી.
મુખ્યમંત્રીની મહત્વની ટકોર
મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતાનો કાર્યક્રમ માત્ર સ્ટેજ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. તેમણે મોબાઈલના વધુ પડતા ઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી કર્મચારીઓએ ફરજ દરમિયાન મોબાઇલને બદલે દર્દીઓની સેવામાં ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં આવતો સામાન્ય માણસ ભગવાન સમાન છે અને નર્સિંગ સ્ટાફના સારા સ્વભાવ અને સેવાભાવી વલણથી દર્દીઓ જલ્દી સાજા થાય છે.
આયુષ્યમાન કાર્ડને ગરીબો માટે 'અભયદાન' ગણાવ્યું
મુખ્યમંત્રીએ આયુષ્યમાન કાર્ડને ગરીબો માટે 'અભયદાન' ગણાવી રાજ્યની મેડિકલ ક્ષેત્રની પ્રગતિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. સાથે જ, ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાની પણ તેમણે ચેતવણી આપી હતી.
આરોગ્ય મંત્રીની સૂચનાઓ
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ૩ મહિનાના આયોજન બાદ આ અભિયાન શરૂ કરાયું છે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે હોસ્પિટલ પરિસરમાં પડેલો ભંગાર, જૂના વાહનો અને બિનઉપયોગી સામાન તાત્કાલિક દૂર કરવામાં આવે.
આ અધિકારીઓ સામે થશે કાર્યવાહી
મંત્રીએ હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે લાઈટ, નળ અને ટોયલેટની સુવિધા સુધારવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે, સ્વચ્છતા જાળવવામાં કચાશ રાખનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નકલી દવાઓ અને ભેળસેળ કરનારાઓ સામે સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ દોહરાવી હતી. આ અભિયાન સાત દિવસ સુધી ચાલશે અને ત્યારબાદ પણ તેને રૂટિન કાર્ય પદ્ધતિ તરીકે જાળવી રાખવામાં આવશે.

