Nadiad: હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ, 30 લાખનો મુદ્દામાલ ઝડપાયો
Nadiad Ivory Smuggling: ખેડા જિલ્લાના નડિયાદમાં વન્યજીવ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસ હદમાં એસઓજી (SOG) ખેડા-નડિયાદની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને હાથીદાંતની ગેરકાયદેસર તસ્કરી કરતા એક મહિલાને રંગે હાથે ઝડપી પાડી છે.
ડભાણ ચોકડી નજીક આંતરવામાં આવી તસ્કર મહિલા
ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ડભાણ ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મહોળેલ ગામની રહેવાસી મધુબહેન પટેલ નામની મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસની તપાસમાં તેમની પાસેથી હાથીદાંતમાંથી બનાવેલી કિંમતી ગિફ્ટ આર્ટિકલ્સ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ તમામ વસ્તુઓ અસલી હાથીદાંતની છે.
કુલ ₹30.05 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ મહિલા પાસેથી અંદાજિત ₹30 લાખની કિંમતના હાથીદાંતના આર્ટિકલ્સ અને ₹5,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ રીતે કુલ ₹30.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની કલમ 109 હેઠળ ગુનો નોંધીને, આ સમગ્ર કેસની વધુ તપાસ માટે નડિયાદ વન વિભાગને સોંપવામાં આવ્યો છે.
Nadiad: તપાસના ચક્રો ગતિમાન
વન્યજીવ તસ્કરીના આ કેસમાં હવે પોલીસ અને વન વિભાગ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હાથીદાંતનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તે કોને વેચવાનો હતો. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli: સાવરકુંડલામાં 2 ઈંચ વરસાદથી જળબંબકાર, કેવડાપરા વિસ્તારમાં બાઈકચાલક તણાયો

