Surat માં ભ્રષ્ટાચારના ગાબડાં, ST બસનું ટાયર રસ્તામાં ખૂંપી જતા તંત્રની કામગીરી પર સવાલો
Surat માં વરસાદે તંત્રની પોલ ખોલી છે અને રસ્તો બેસી જવાની ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જતા એસટી બસ ફસાઈ હતી અને મુસાફર ભરેલી બસનું ટાયર રોડમાં બેસી જતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા.
અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ઉધના નવસારી રોડ પર બનેલી ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું હતુ.
સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે ફરી ઊઠ્યા સવાલ
શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ બેસી જવાની વધુ એક ઘટના સામે આવી છે. મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6:00 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ મળી કુલ 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદ થવાના કારણે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વરાછા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ રોડના રિપેરીંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે 3 મહિના પહેલાં 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો બેસી ગયો હતો.
10થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં 10થી વધુ મોટા અને વર્ષો જૂના વૃક્ષો પત્તાની જેમ ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વિશાળકાય વૃક્ષો ચાલુ રસ્તા પર પડતા રોડ બ્લોક થઈ ગયા હતા. શહેરમાં એકસાથે 10 થી વધુ સ્થળોએ વૃક્ષો પડવાના કોલ મળતા જ સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો અને ફાયર જવાનોની અલગ-અલગ ટીમો રાતથી જ સતત દોડતી રહી હતી.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાતના 11 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

