Gujarat University: ડૉ. નીરજા ગુપ્તાની ટર્મ પૂર્ણ, પ્રો. જગદીશ જોશી બન્યા ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ
Gujarat University: ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) કાર્યકારી કુલપતિ (Acting Vice Chancellor) તરીકે નવા નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર એટલે કે એચઆરડીસી (HRDC - Human Resource Development Centre) ડિપાર્ટમેન્ટના (Department) વડા પ્રો. જગદીશ જોશીને (Prof. Jagdish Joshi) કાર્યકારી કુલપતિ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.
કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની ટર્મ પૂર્ણ
ગુજરાત યુનિવર્સિટીના નિયમિત કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની (Dr. Neerja Gupta) ત્રણ વર્ષની નિર્ધારિત ટર્મ આજે પૂર્ણ થઈ છે. તેમની ટર્મ પૂર્ણ થતાં જ નવા કાયમી કુલપતિની નિમણૂક પ્રક્રિયા ન થાય ત્યાં સુધી વહીવટી શૂન્યાવકાશ ન સર્જાય તે માટે રાજ્ય સરકારે (State Government) તાત્કાલિક નિર્ણય લીધો છે. ડૉ. નીરજા ગુપ્તાના સ્થાને હવે પ્રો. જગદીશ જોશી યુનિવર્સિટીનો વહીવટ સંભાળશે.
અનુભવી પ્રોફેસરને સોંપાઈ મહત્વની જવાબદારી
પ્રો. જગદીશ જોશી ગુજરાત યુનિવર્સિટીના વરિષ્ઠ અને અનુભવી પ્રોફેસરોમાં (Professors) સ્થાન ધરાવે છે. તેઓ લાંબા સમયથી એચઆરડીસી (HRDC) ડિપાર્ટમેન્ટના વડા તરીકે કાર્યરત છે અને શૈક્ષણિક તેમજ વહીવટી કાર્યોનો બહોળો અનુભવ ધરાવે છે. યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો અને શૈક્ષણિક કાર્યકાળને સુચારુ રૂપે ચલાવવા માટે તેમની આ પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
યુનિવર્સિટીમાં આવકારનો માહોલ
આજે સાંજે સરકારનો આદેશ મળતાની સાથે જ પ્રો. જગદીશ જોશીએ કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ (Charge) સંભાળી લીધો છે. તેમની આ નિમણૂકને યુનિવર્સિટીના સત્તામંડળો, સેનેટ સભ્યો અને અધ્યાપક મંડળ દ્વારા આવકારવામાં આવી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ અને એડમિશન પ્રક્રિયા (Admission Process) જેવી મહત્વની કામગીરીઓ તેમના નેતૃત્વ હેઠળ આગળ વધશે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 62 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, નવસારીમાં સૌથી વધુ 3.7 ઈંચ ખાબક્યો

