Banaskantha News: વિકાસ કાર્યોની ક્વોલિટીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોર આકરા પાણીએ, ખેડૂતોના વીજ કનેક્શન મુદ્દે ઉઠાવ્યા સવાલ
MP Geniben Thakor: બનાસકાંઠાના પાલનપુર (Palanpur) કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોમાં થતી અનિયમિતતા અને ખેડૂતોની વીજ સમસ્યાને લઈને સાંસદે વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા (Quality) સાથે કોઈ બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.
વિકાસ કાર્યોના રી-ચેકિંગ માટે કમિટીની માગ
સાંસદ ગેનીબેન ઠાકોરે બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ કામોમાં રહેલી ગુણવત્તાના અભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોરતા કહ્યું હતું કે, જ્યાં ગુણવત્તાયુક્ત કામ થતું નથી, ત્યાં તે સુનિશ્ચિત કરવા માટે એક ખાસ કમિટીની રચના કરવી જોઈએ. આ કમિટી દ્વારા કામનું રી-ચેકિંગ (Re-checking) કરવામાં આવે તે અનિવાર્ય છે. તેમણે વહીવટી તંત્રને કડક સૂચના આપતા કહ્યું કે, જો અધિકારીઓ સ્થળ પર જઈને તપાસ નહીં કરે, તો ચૂંટાયેલા પદાધિકારીઓ પોતે કમિટી બનાવીને કામોનું નિરીક્ષણ કરશે.
ખેડૂતોની વીજ સમસ્યા મુદ્દે સરકાર સામે સવાલ
બીજી તરફ ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની કરેલી જાહેરાત પર ગેનીબેન ઠાકોરે તીખા સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ખેડૂતો માટે સૌથી મોટો પડકાર વીજ કનેક્શન (Electricity Connection) મેળવવાનો છે. એક વર્ષથી ખેડૂતોએ તમામ એસ્ટીમેન્ટો ભરી દીધા છે અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. ટપક સિંચાઈના સાધનોની ખરીદી પણ થઈ ચૂકી છે. સાંસદે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા કમિશન મેળવી લેવા છતાં હજુ સુધી ખેડૂતોને વીજ કનેક્શન અપાયા નથી. એક-એક દોઢ-દોઢ વર્ષથી રાહ જોતા બનાસકાંઠા, વાવ અને થરાદના ખેડૂતોની હાલત કફોડી બની છે.
સરકારી યોજનાઓ નું સમયસર અમલીકરણ અને તેમાં ગુણવત્તા જળવાવી જોઈએ, જે હાલના તબક્કે સચવાતી નથી તેમ કહી સાંસદે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. આ બેઠકે વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.

