Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Surat: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાયા, શહેરભરમાં જળબંબાકારની સ્થિતી

ચોમાસાના પ્રથમ વરસાદે જ સુરત શહેરની ગર્ભિત સમસ્યાઓને ખુલ્લી પાડી દીધી છે. એક તરફ રસ્તાઓનું ધોવાણ તો બીજી તરફ કેમિકલ માફિયાઓનો ત્રાસ, સુરતવાસીઓ માટે આ વરસાદ આશીર્વાદને બદલે આફત બનીને આવ્યો છે. પાલિકાના કામો કેમ ધોવાઈ ગયા અને આટલી જલ્દી જળબંબાકાર કેમ થયો, તે પ્રશ્નો આજે દરેક સુરતીના મનમાં છે.
surat  પ્રિ મોન્સૂન કામગીરીના દાવાઓ પાણીમાં ધોવાયા  શહેરભરમાં જળબંબાકારની સ્થિતી

Surat Municipal Corporation Failure: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી સાથે જ સુરત મહાનગરપાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સુરતનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ મોટા વરાછામાં કલાકુંજ બ્રિજ નજીક નવો બનેલો રોડ બેસી જતાં પાલિકાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. અંદાજિત 300 મીટર રોડ જમીનમાં ધસી જતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. મેયરે  તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસના આદેશ આપવા પડ્યા હતા.

હોસ્પિટલો અને સ્કુલમાં પાણી ભરાયા

વરસાદી પાણી ભરાવાની સમસ્યા માત્ર રસ્તાઓ પૂરતી સીમિત નથી રહી. વેસુના પોશ વિસ્તાર ગણાતા વીઆઈપી રોડ અને મહાવીર કોલેજ કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ, ઓલપાડ અને કીમ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. કીમની સાધના હોસ્પિટલમાં પાણી ઘૂસી જતાં સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે. હરેશ્વર મહાદેવ અને રાધે કૃષ્ણ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ પણ પાણી ભરાતા ભક્તો પરેશાન થયા હતા. અમૃત નગર અને શિવાજી નગર જેવી સોસાયટીઓમાં ઘરોની અંદર પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે.

Surat : વરસાદી પાણીમાં કેમિકલ છોડ્યું

સૌથી ચોંકાવનારી બાબત કડોદરા-સુરત માર્ગ પર જોવા મળી છે. વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમ નિષ્ફળ જવાની સાથે જ, ડાઇંગ મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીએ આફતમાં વધારો કર્યો છે. જાહેર રોડ અને વરેલી સર્વિસ રોડ પર કેમિકલયુક્ત પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે દુર્ગંધ અને ચામડીના રોગનો ડર સતાવી રહ્યો છે. વરસાદી પાણી અને કેમિકલના મિશ્રણથી આખો રસ્તો પ્રદૂષિત બન્યો છે, છતાં તંત્ર દ્વારા આ માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વરસાદે વિરામ લીધો હોવા છતાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા લોકો તંત્રની લાપરવાહી સામે રોષ ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Heavy Rainfall: દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Tags :